ઉત્તરપ્રદેશના લખનૌમાં મેટા એઆઈના એલર્ટને લીધે એક યુવતીનો જીવ બચ્યો. યુવતી ઈન્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસો લગાવવા જઈ રહી હતી. તે દરમિયાન મેટા એઆઈ એક્ટિવ થયું અને યુપી ડીજીપીના મીડિયા સેલને એલર્ટ આપ્યું હતું.
એલર્ટનો મેસેજ મળ્યાના 4 મિનિટની અંદર પોલીસ યુવતી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટના નિગોહાં પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
વિગત મુજબ રાયબરેલી રોડ પર એક ગામની રહેવાસી 22 વર્ષીય યુવતીએ શનિવારે બપોરે 12.11 વાગ્યે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ખુરશી પર ઊભી છે અને આપઘાત કરવા પંખા ઉપર દુપટ્ટો બાંધે છે.
આ વીડિયો પર મેટા એઆઈ એક્ટિવ થયું અને તરત જ લોકેશન ટ્રેસ કરી યુપી ડીજીપી હેડક્વાર્ટરની મીડિયા સેલ ટીમને એલર્ટ મોકલ્યું. પોલીસની ટીમ તાત્કાલિક રવાના થઈ ગઈ હતી અને યુવતીને આપઘાત કરતા બચાવી લીધી હતી.