વડોદરામાં ચાર માર્ગ પર આ સિસ્ટમ, આખું શહેર AI અપનાવે તેવું રાજકોટ પ્રથમ
સમગ્ર રાજ્યમાં સૌથી પહેલા ટ્રાફિક સિગ્નલ એ.આઈ. અને 108ની એ.આઈ.ને મર્જ કરવાનું કામ વડોદરામાં થયું હતું. હાલ ત્યાં મુખ્ય ચાર રોડ કે જેને આદર્શ માર્ગ તરીકે નોંધવામાં આવ્યા છે ત્યાં આ રીતે ટ્રાફિક સિગ્નલ કામ કરી રહ્યા છે. રાજકોટમાં પણ કાલાવડ રોડ પર આ પ્રયોગ તે જ સમયે થઈ ગયો હતો પણ કાર્યરત થયું નથી. જોકે સમગ્ર શહેરમાં ઈમર્જન્સી સુધી પહોંચવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે તેવી રાજકોટ ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા બનશે.
રાજ્યમાં સૌથી ઝડપી રિસ્પોન્સ ટાઈમ અમદાવાદ શહેરનો છે ત્યાં 10 મિનિટમાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી જાય છે. જ્યારે દેશમાં પ્રથમ ક્રમ દિલ્હી શહેરનો છે ત્યાં 9 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચે છે. હાલ રાજકોટમાં 11 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ છે. ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા થઈ જતા ત્યાં 3થી 4 મિનિટનો સમય બચશે. 3 મિનિટ પણ ઘટે તો દિલ્હી કરતા પણ ઓછા એટલે કે 8 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી જતા સમગ્ર દેશમાં સૌથી ઝડપી રિસ્પોન્સ ટાઈમ રાજકોટ શહેરનો બનશે.