Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હજારો વર્ષ પહેલાં દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસાવાયેલી દ્વારકાના નગરીનાં દર્શન હવે સરળ બનવા જઇ રહ્યાં છે. ગુજરાત સરકાર મૂળ દ્વારકાનાં દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે. જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સબમરીનનું સંચાલન મઝગાંવ ડોક કરશે. સંભવિત રીતે જન્માષ્ટમી અથવા તો દિવાળી સુધી તેની શરૂઆત થઇ જશે.

કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ , મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ કોરિડોર અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટના હિસ્સા તરીકે છે. દ્વારકા કોરિડોર હેઠ‌ળ મૂળ દ્વારકા ( બેટ દ્વારકા)નાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સંભવિત રીતે તેનું ઉદ્ઘાટન પણ જન્માષ્ટમીની આસપાસ જ થઇ શકે છે.

આ બ્રિજ દરિયામાં ડૂબેલી દ્વારકાની પરિક્રમા કરાવવાનો અનુભવ કરાવશે. સબમરીન માટે બેટ દ્વારકાની પાસે એક જેટીનું પણ નિર્માણ કરાશે. જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે. એક વખતમાં 24 યાત્રી અને છ ક્રૂ મેમ્બર્સ તેમાં જઇ શકશે. બેથી અઢી કલાકની યાત્રા રહેશે. સરકારનાં સૂત્રો મુજબ તેનું સંચાલન મોંઘુ છે જેથી તેના માટે ટિકિટ પણ વધુ હોઇ શકે છે. પરંતુ આ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે ટિકિટની કિંમત સામાન્ય લોકો ન ખરીદી શકે તેટલી મોંઘી રહેશે નહીં. જો જરૂર પડશે તો ગુજરાત સરકાર તેના માટે સબસિડી જેવી યોજના લાવી શકે છે.