યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવામાં વડાપ્રધાન મોદી મોટી ભૂમિકા ભજવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે બીજી યુક્રેન પીસ સમિટ નવી દિલ્હીમાં યોજાય. જો મોદી ઈચ્છે તો આ કરી શકે છે.
ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મોદી વસતિ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ખૂબ મોટા દેશના વડાપ્રધાન છે. ભારત અને મોદી કોઈપણ સંઘર્ષને રોકવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણા યોજવાની સંભાવના અંગે તેમણે કહ્યું હતું કે અલબત્ત, તેઓ આમ કરી શકે છે.
ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ હજારો યુક્રેનિયન બાળકોનું અપહરણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે મોદી અમારાં બાળકોને પાછાં લાવવામાં મદદ કરે. તેઓ પુતિનને 1,000 યુક્રેનિયન બાળકો મને પાછાં આપવાનું કહી શકે છે. જો મોદી આમ કરશે તો અમે અમારાં મોટા ભાગનાં બાળકોને પાછાં લાવવામાં સફળ થઈ શકીશું.