રાજકોટ બસ સ્ટેશનમાં એસટી બસની અડફેટે એક મુસાફરના મોતની ગંભીર ઘટના બની છે. રાજકોટ-બરવાળા-રાજકોટ રૂટની એસટી બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી તે દરમિયાન બ્રેક ફેલ થઈ હતી અને ત્યાંથી પસાર થતા મુસાફરને અડફેટે લીધા હતા. ત્યાર બાદ બસ પીલર સાથે પણ અથડાઈ હતી. એસટી બસે ટક્કર મારતા મુસાફર પીલર સાથે અથડાઈને નીચે પટકાયા હતા અને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી ઘટનાસ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. 65 વર્ષીય દિનેશભાઈ મારવાણીયાનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. 108 દ્વારા મૃતક દિનેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ એસટી વિભાગના ડેપો મેનેજર ઘનશ્યામ ચગે જણાવ્યું હતું કે, જસદણ ડેપોની રાજકોટ-બરવાળા રૂટની એસટી બસપોર્ટની બહાર નીકળી રહી હતી, ત્યારે અચાનક મુસાફર સામે આવી જતાં ડ્રાઈવરે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડ્રાઈવરથી બ્રેક ન લાગતા મુસાફર બસ સાથે અથડાયો હતો અને ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું. જોકે, આ બાબતે એસટીનો મિકેનિકલ વિભાગ તપાસ કરી રહ્યો છે કે ખરેખર બસની બ્રેક ફેલ હતી કે શું?