અમેરિકામાં ન્યૂ જર્સી શહેરના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવાને ગુજરાતના જ મૂળ રહેવાસી મહિલા મકાન માલિકની છરી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મૂળ વડોદરાના રીટાબેન આચાર્યના પેરામાસ ખાતેના મકાનમાં ગાંધીનગરનો યુવક કિશન શેઠ ભાડેથી રહેતો હતો.
ગાંધીનગરના યુવક કિશન શેઠે રીટાબેન આચાર્યની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લીધા હતા. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠે 4500 ડોલર ઉપાડી લીધા હતા. જેના પછી તે નાસવાની ફિરાકમાં હતો ત્યારે જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ઘટનાથી અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચ્યો છે. રિટાબેન આચાર્યના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોમાં શોક ફેલાયો છે.