રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદી ચાલી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ ખેડૂતો તેમની વિવિધ જણસી લઇને ઉમટી પડતા માર્કેટિંગ યાર્ડ બહાર 900 કરતા વધુ વાહનનો ખડકલો જોવા મળ્યો હતો. અને યાર્ડ બહાર 9 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી હતી. યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં કપાસની 8,500 ભારી, મગફળીની વધુ 1.05 લાખ ગુણીની આવક નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ જણસીઓની ખરીદી કરાઈ રહી છે. ત્યારે આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, કપાસ અને સોયાબીન સહિતની જણસીઓ ભરીને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જેને લઈ મગફળી અને કપાસ ભરેલા વાહનોની 9 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 900 કરતા વધુ વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપવામાં આવ્યો હતો.