પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઈ પટેલે બુધવારે સાંજે અચાનક વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો પત્ર પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને લખતાં મહેસાણા જિલ્લાના રાજકારણમાં દેવ દિવાળીના બીજા દિવસે મોટો ધડાકો થયો હતો. નીતિનભાઈના પછી ભાજપ મહેસાણાથી કોણે તક આપે છે, તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જે અન્ય ત્રણ નામ ચર્ચામાં છે. આમાં પાટીદાર સમાજ સિવાયના બે નામો પણ છે. મહિલા ઉમેદવારને પણ ટિકિટ મળી શકે છે.
રૂપાણી સરકારનું આખુ મંત્રીમંડળ બદલાયા પછી આ નક્કી થઇ ગયું હતું કે મોટાભાગના સીનિયર નેતાઓની ટિકિટ કપાઈ શકે છે. આ યાદીમાં નીતિનભાઈનું નામ પણ હતું. પણ નીતિનભાઈએ જે રીતે મહેસાણા અને કડીમાં તાબડતોડ લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યા હતા. તે જોતાં સ્પષ્ટ લાગતું હતું કે હજી તેમની ચૂંટણી લડવાની ઈચ્છા છે.
નિરીક્ષકો સમક્ષ દાવેદારી પણ નીતિનભાઈ ધામધૂમથી નોંધાવી હતી. અને કહ્યું હતું કે, પાર્ટી તક આપશે તો ચુંટણી લડીશ. ચાર વખત કડી અને બે વખત મહેસાણાથી ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી - નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ સ્પષ્ટ અને આખાબોલા સ્વભાવના છે. નાણા મંત્રાલય પાછા લઈ લેતાં નીતિનભાઈ રિસાઈ ગયા હતા. અને તેમના બંગલામાં જ બંધ થઈ ગયા હતા. પછી પાર્ટીએ તેમને નાણા મંત્રાલય પાછું આપ્યું હતું.