અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની પોલીસ હવે ધરપકડ કે ક્રાઉડ કંટ્રોલમાં પોતાના ડોગ સ્કવોડની મદદ લઇ શકશે નહીં. અહીંની એસેમ્બલીએ એક બિલ પાસ કર્યું છે. તેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પોલીસ અશ્વેતો કે અન્ય દેશોના નાગરિકોની ધરપકડ દરમિયાન ડોગ સ્કવોડનો ખોટો ઉપયોગ કરે છે.
બિલ પ્રમાણે- ક્રાઉડ કંટ્રોલ દરમિયાન પણ આ ડોગ યૂનિટનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે. જોકે, બિલમાં થોડા મામલે પોલીસને આ યૂનિટના ઉપયોગનો અધિકાર ચોક્કસ આપવામાં આવ્યો છે.
જો બાઇડેનની ડેમોક્રેટ પાર્ટીના સભ્યો કોરી જેક્સન અને એશ કાલરા દ્વારા વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ સભ્યોએ કહ્યું- જો પોલીસ ઇચ્છે તો તેઓ પહેલાની જેમ વિસ્ફોટકોને શોધવા અને ડ્રગ્સ શોધવા માટે ડોગ યુનિટનો ઉપયોગ કરી શકે છે. પરંતુ, ઘણાં પ્રસંગોએ અમને લાગ્યું છે કે પોલીસ આનો ઉપયોગ અશ્વેતો સામે રંગભેદના પગલા તરીકે કરે છે.
સભ્યોએ કહ્યું- પોલીસની આ પદ્ધતિઓને સીધો જુલમ કહી શકાય, ખાસ કરીને અશ્વેત અમેરિકનો પર આવા અત્યાચારો કરવામાં આવે છે. પહેલા આનો ઉપયોગ લોકોને ગુલામ બનાવવા માટે પણ થતો હતો. આને અમેરિકાનો કાળો ઇતિહાસ કહેવામાં આવે છે. આજે આ પ્રકારનું એકમ શા માટે વપરાય છે? તેને તાત્કાલિક રોકવાની જરૂર છે.
ખાસ વાત એ છે કે કેલિફોર્નિયાના ગોરા લોકોએ પણ આ બિલનું સ્વાગત કર્યું છે. જનરલ સિટીઝન નામની સંસ્થાએ કહ્યું- માનવ માનવ છે. તેમણે રંગ અને જાતિ વચ્ચેનો તફાવત પણ બનાવ્યો છે. આ ભૂલને આપણે જેટલી જલ્દી સુધારી લઈશું તેટલું સારું.