રાજકોટ મેટોડા જીઆઇડીસી પાસેથી જિલ્લા એસઓજીની ટીમે ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ સાથે રાજકોટના શખ્સને ઝડપી લઇ તેની પૂછતાછ કરતાં રાજકોટમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલી નામચીન મહિલાનો પુત્ર આપી ગયાનું બહાર આવતાં પોલીસે વધુ એક શખ્સને ઉઠાવી લઇ બન્નેની વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.
રાજકોટ જિલ્લામાં ગુનાખોરી અટકાવવા એસપીની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન મેટોડા જીઆઇડીસી પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર લઇને આવ્યો હોવાની માહિતીને આધારે પીએસઆઇ મિયાત્રા સહિતની ટીમે શંકાસ્પદ હાલતમાં એક શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતાં તે 150 ફૂટ રિંગ રોડ પર કિડવાઇનગરમાં રહેતો જય ઉર્ફે જયુ મુકેશભાઇ વાઢેર હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી પિસ્તોલ અને એક કારતૂસ મળી આવતા મેટોડા પોલીસ મથકના પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. બનાવને પગલે પોલીસે જયની પૂછતાછ કરતાં તેને દિવાળી દરમિયાન તેનો મિત્ર રાજકોટમાં રૈયાધાર પાસે રહેતો હિતેશ સુનિલભાઇ ધામેલિયા આપી ગયાનું જણાવતા પોલીસે હિતેશની ધરપકડ કરી બન્નેની પૂછતાછ હાથ ધરી હતી.
પોલીસની પૂછતાછમાં હિતેશને રાજકોટમાં કોઇ ગેંગ સાથે માથાકૂટ ચાલતી હોય જેથી તેને હથિયાર લીધાનું અને પોલીસથી બચવા માટે તેના મિત્ર જયને સાચવવા આપ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે બન્નેની વધુ પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે આરોપીઓને કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે. પોલીસની વધુ તપાસમાં હથિયારમાં પકડાયેલા બન્ને આરોપીઓ અગાઉ પણ દારૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું તેમજ હિતેશની માતા સુધા પણ એનડીપીએસના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.