જામનગર જિલ્લા જેલમાં ત્રિપુટીની ગેરકાયદે મુલાકાતનો મામલો પ્રકાશમાં આવતાં પોતાની ‘ચામડી’ બચાવવા માટે જામનગર જિલ્લા જેલ અધિક્ષક (જેલર ગ્રૂપ-2) એમ.એન.જાડેજાએ ખેલ શરૂ કર્યા હતા. જેલર જાડેજાએ રાજ્યના જેલવડાને અહેવાલ મોકલ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરીએ બપોરે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, રાજકોટના ભૂપત ભરવાડ અને કારનો ડ્રાઇવર મુલાકાતે આવ્યા હતા.
અનિરુદ્ધસિંહને ત્યાં તા.1 ફેબ્રુઆરીના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તે બાબતે જેલના અધિકારી-કર્મચારીને આમંત્રણ આપવા આવ્યા હતા, તે દરમિયાન અનિરુદ્ધસિંહે મુલાકાત માટે મૌખિક રજૂઆત કરતા તેને જેલ મુલાકાત રજિસ્ટરમાં અને તેની નોંધ જેલ નિયમ મુજબ જેલના પ્રવેશદ્વારના રજિસ્ટરમાં તેમજ મુલાકાતી રજિસ્ટરમાં કરવામાં આવી છે, અને નિયમ મુજબ ઓળખપત્રની ફોટો સ્ટેટ કોપી પણ જેલ પ્રશાસને લીધી છે. મુલાકાતીઓની સહી પણ લેવામાં આવી છે, આવી કેટલીક બાબતો તેમણે રાજ્યના જેલવડાને પત્ર મારફત જાણ કરી હતી, જ્યારે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દૃશ્યોએ જેલર એમ.એન.જાડેજાનો ભાંડો ફોડી નાખ્યો હતો.