ઇઝરાયલે ગાઝામાં હમાસના વડાપ્રધાન ઇસમ દિબ અબ્દુલ્લા અલ-દાલિસની હત્યા કરી છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ અબ્દુલ્લાના મૃત્યુની પુષ્ટિ કરી છે. જુલાઈ 2024માં રૂહી મુશ્તાહના અવસાન પછી અબ્દુલ્લાએ તેમનું સ્થાન લીધું.
અબ્દુલ્લા ગાઝામાં હમાસ સરકાર ચલાવતા હતા. તેમની પાસે હમાસના સંગઠન અને આતંકવાદી પ્રવૃત્તિઓની જવાબદારી પણ હતી. છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલે હવાઈ હુમલામાં હમાસના 3 ટોચના આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે.
આમાં હમાસના કમાન્ડર અને રાજકીય નેતાઓ મહમૂદ મરઝૌક અહેમદ અબુ-વત્ફા, બહજત હસન મોહમ્મદ અબુ-સુલતાન અને અહેમદ ઓમર અબ્દુલ્લા અલ-હતાનો સમાવેશ થાય છે.
ઇઝરાયલે 19 જાન્યુઆરીથી શરૂ થયેલ હમાસ યુદ્ધવિરામનો અંત લાવી દીધો છે. ઇઝરાયલે મંગળવારે વહેલી સવારે ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા. આમાં 400થી વધુ લોકો માર્યા ગયા છે. ગઈકાલે સાંજે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ પણ યુદ્ધ ફરી શરૂ કરવા અંગે નિવેદન આપ્યું હતું.