UG મેડિકલ એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા દેશભરમાં 4 મેના લેવામાં આવશે. ગુજરાતમાં આશરે 80 હજાર અને ભારતમાં 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. પરંતુ નીટની પરીક્ષા આ વર્ષે પણ નીટ એન્ડ ક્લિન નથી કારણ કે, એજન્ટો દ્વારા 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર રચાયું હોવાની વિગતો સામે આવી છે જેમાં ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે. રાજકોટ પાસેના શહેરના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો ‘દિવ્ય ભાસ્કર’ને મળી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યો સુધી આ વચેટિયાઓનું નેટવર્ક ફેલાયેલું છે. કાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની વાલીઓને ગેરંટી અપાઈ છે.
વચેટિયાએ રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક વાલીનો સંપર્ક કર્યો હતો જેમાંથી એક વાલી હકીકત જાણવા એજન્ટને મળવા અમદાવાદની સ્કાયલેન્ડ હોટેલમાં ગયા હતા. જ્યાં એજન્ટે નીટમાં વધુ માર્ક લાવવા માટે કેટલા પૈસા, ક્યા પરીક્ષા આપવાની, ફોર્મ કોણ ભરશે તેવી તમામ બાબતો સમજાવી હતી. આ સમગ્ર હકીકત વાલીએ જણાવી છે. એજન્ટે વાલીને એક વિદ્યાર્થીને નીટમાં 650+ માર્ક લાવી આપવા રૂ.75 લાખથી 1 કરોડ કિંમત કહી હતી. ગયા વર્ષે ગુજરાતમાં વિવાદ થતા આ વર્ષે કર્ણાટકના બેલગામ, હુબલી અને બેંગ્લોરના કેન્દ્રમાં સેટિંગ ગોઠવ્યું હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના 8 સહિત દેશભરમાંથી આશરે 85 જેટલા વિદ્યાર્થીને 650+ માર્ક અપાવવાનું એજન્ટોએ ગોઠવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ પરીક્ષા દરમિયાન 3 દિવસ કર્ણાટકમાં રિસોર્ટમાં રોકાવાની વ્યવસ્થા એજન્ટોએ કરી આપી છે. એજન્ટે જે વાલીનો સંપર્ક કર્યો અને વાલી એજન્ટને મળી આવ્યા તેનાં બાળકો પણ નીટની પરીક્ષા આપવાના હોવાથી તેમણે નામ ન છાપવાની શરતે આ સમગ્ર હકીકતને જણાવી છે.
મેડિકલમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં પૈસા લઈને વિદ્યાર્થીઓને 650+ માર્ક અપાવી દેવાનું ષડયંત્ર રચાયું છે ત્યારે આ ખરેખર કોઈ વચેટિયા ટોળકીનું જ કારસ્તાન છે કે અન્ય ફ્રોડ ટોળકી આ પ્રકારે વાલી પાસેથી પૈસા લઈને તેની સાથે ફ્રોડ કરી રહી છે તે પણ તપાસનો વિષય છે.