સુરત મેટ્રો રેલ ફેઝ-1માં નિર્માણ પામી રહેલી લાઇન 1 અને 2 માટે ટ્રેન સેટ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. TRSL (ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ) દ્વારા સુરત મેટ્રોને કુલ 72 કોચ પૂરા પડાશે. આ માટે ઓક્ટોબર 2023માં જ GMRCL (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ટીટાગઢ મેટ્રો રેલને 72 કોચ માટે 857 કરોડનો ઓર્ડર અપાયો હતો.
સુરત મેટ્રો આખરે કેવી દેખાશે તે માટે ભાસ્કરે તંત્ર પાસેથી તસવીરો મેળવી છે. બતાવેલા મેટ્રો કોચ ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે, જેમાં મુસાફરોની સુવિધા અને શહેરની સાંસ્કૃતિક પ્રેરણાનો સમન્વય છે. કોચની છત ગરબાની થીમ પર બનાવવામાં આવી છે અને ત્રિકોણાકાર હેન્ડલ ગરબાની જ્યોતથી પ્રેરિત હશે. જે ફક્ત સૌંદર્ય શાસ્ત્રને જ પ્રતિબિંબિત કરતી નથી પરંતુ ટકાઉપણું અને પકડની દ્રષ્ટિએ ઉપયોગી છે. આ ડિઝાઇન પ્રવાસીઓને આધુનિક, સલામત અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરશે. આ પહેલ દેશની ગતિશીલતાનું પણ પ્રતિબિંબ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, હજુ આ ડિઝાઇન સંપૂર્ણપણે નક્કી નથી. આગામી સમયમાં ડિઝાઈનને હજુ પણ વધુ આકર્ષક બનાવવા ફેરફારો થાય તેવી શક્યતા છે. છતાં હાલની સ્થિતિએ મેટ્રો લગભગ આવી જ રહેશે.