પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવશે. જેમાં આગામી 28 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબ્જે લેવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને ઉતરી ગયા છે.
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસો સુધી ગુજરાતના પ્રવાસે આવી સભા ગજવશે. જેમાં આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આગામી 28 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સભા સંબોધન કરશે.વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ચોથી મુલાકાત છે. જેમાં 11 ઓક્ટોબરના રોજ પ્રથમ સભા જામકંડોરણા ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર, 20 નવેમ્બરના રોજ ધોરાજી અને 28 નવેમ્બરના રોજ ચોથી મુલાકાત રાજકોટ શહેર ખાતે યોજવામાં આવશે.