રશિયાએ મંગળવારે કહ્યું કે તેનું એક કાર્ગો પ્લેન ક્રેશ થયું છે. તેમાં 15 લોકો હતા. રિપોર્ટ્સ અનુસાર- આ દુર્ઘટનામાં તમામ લોકોના મોત થયા છે. ઘટનાનું કારણ એન્જિનમાં આગ લાગી હોવાનું કહેવાય છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ અકસ્માતની પુષ્ટિ કરી છે. આ પ્લેન ઈવાનોવો વિસ્તારમાં ક્રેશ થયું છે.
રશિયન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જો કે રક્ષા મંત્રાલયે કોઈપણ વીડિયોની પુષ્ટિ કરી નથી. આ પહેલા જાન્યુઆરીમાં એક રશિયન પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 74 લોકોના મોત થયા હતા. તેમાંથી મોટાભાગના યુક્રેનના કેદીઓ હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર જે વિમાન ક્રેશ થયું તે IL-76 હતું. તેમાં ચાર એન્જિન હોય છે. મંગળવારે ટેકઓફના થોડા સમય બાદ તેના એક એન્જિનમાં આગ લાગી હતી. તે ઝડપથી નીચે આવ્યો અને તૂટી પડ્યો. ક્રેશ સ્થળ પરથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આ ઘટના રશિયન સમય અનુસાર બપોરે 1 વાગ્યે બની હતી.
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર કાર્ગો પ્લેનમાં 8 ક્રૂ મેમ્બર અને સાત પેસેન્જર હતા. ટેક ઓફ થતાં જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનમાં હાજર કોઈ પણ બચ્યું નથી. જો કે, આ સંબંધમાં હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ઇવાનવો વિસ્તારથી યુક્રેનની સરહદ લગભગ 700 કિલોમીટર દૂર છે.