RBI દ્વારા 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પર પ્રતિબંધની જાહેરાત બાદ ગ્રાહકો અને કરિયાણાના વેપારીનો પેટીએમ પરનો ભરોસો ઘટ્યો છે. ગુરુવારે જારી કરાયેલા એક રિપોર્ટ અનુસાર 68% કરિયાણા સ્ટોર્સની વચ્ચે પેટીએમ પર ભરોસો ઘટ્યો છે, જ્યારે 42% કરિયાણા સ્ટોર્સ પહેલાથી જ પેટીએમથી અન્ય કોઇ પ્રોવાઇડર પર શિફ્ટ થઇ ચૂક્યા છે.
20% ઉત્તરદાતાઓએ પણ અન્ય પેમેન્ટ એપનો ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સરવેમાં અંદાજે 5 હજાર ઉત્તરાદાતાઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. કિરાના ક્લબના સ્થાપક અને સીઇઓ અંશુલ ગુપ્તા અનુસાર કરિયાણાની દુકાનોને ટ્રાન્ઝેક્શનમાં થોડી સમસ્યા થઇ શકે છે.
પેટીએમ પેમેન્ટ બેન્કે નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું નથી: દાસ
ગુરુવારે MPCની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ લેવાયેલું પગલું રેગ્યુલેટરી મુદ્દાઓને કારણે નહીં પરંતુ નિયમોના પાલન સંબંધિત મુદ્દાઓને કારણે લેવાયું હતું. RBIના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને કહ્યું કે પેટીએમ અને આરબીઆઇની વચ્ચે અનેક બેઠકો થઇ હતી અને ત્યારબાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી પેટીએમ એપ પર કોઇ અસર થશે નહીં.