રાજકોટમાં બે દિવસ પૂર્વે લોકડાયરામાં ક્ષમા, માફી અને ઘૂંટડા પીવાની વાતો કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાગરીતો સાથે મળી સર્વેશ્વર ચોકમાં બિલ્ડર યુવક પર ધોકા-પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો, હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડાયરામાં ખુમારી અને ખમીરાતની વાતો કરનાર દેવાયત ખવડ ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યારે આ ઘટનાના 48 કલાક બાદ પણ તેની ધરપકડ ન થતા આજે ઈજાગ્રસ્ત યુવકની માતાએ ક્ષત્રિય સમાજની બહેનો સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી અને પોલીસ કમિશનર પાસે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ મામલે ભોગબનનાર યુવક મયુરસિંહ રાણાની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે,દેવાયત ખવડને તેના કર્મોની સજા મળવી જોઈએ અને તેની ધરપકડ બાદ તેનું સરઘસ કાઢવું જોઈએ જેથી આ પ્રકારનો ગુનો બીજા કોઈ આચરે નહીં
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉ.વ.42) બુધવારે બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સ નીચે ઉતર્યા હતા. મયૂરસિંહ કંઇ સમજે તે પહેલા જ દેવાયત સહિત બંને શખ્સ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને સરાજાહેર હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ઘા ઝીંકી દેવાયત સહિતના શખ્સો કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.