સુપ્રીમ કોર્ટના કૂકની પુત્રી પ્રજ્ઞાને અમેરિકાની બે યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મળી છે. જે બાદ CJI ડીવાય ચંદ્રચુડે બુધવારે તેમનું સન્માન કર્યું હતું. CJIએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા હસ્તાક્ષર કરેલું પુસ્તક ભેટ આપ્યુ અને તેમને અભિનંદન પાઠવ્યા. પ્રજ્ઞા હવે કાયદા અને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવા અમેરિકા જશે.
પ્રજ્ઞાના પિતા સામલે 1996માં સુપ્રીમ કોર્ટમાં રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે દિલ્હીના લોધી કોલોની વિસ્તારમાં સરકારી ક્વાર્ટર્સમાં રહે છે. તેમની પુત્રી પ્રજ્ઞાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીની સરકારી શાળાઓમાં થયું હતું, ત્યારબાદ તેણે ડીયુમાંથી કોલેજનો અભ્યાસ કર્યો હતો અને પછી તેણે દિલ્હીથી જ લૉ કર્યું હતું. આ પછી, તેણીએ હંગામી ધોરણે સુપ્રીમ કોર્ટમાં સંશોધનકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, તેણે માસ્ટર ઇન લૉનો અભ્યાસ કરવા માટે અમેરિકાની બે યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ મેળવી છે. તેમાંથી એક કેલિફોર્નિયા યુનિવર્સિટી અને બીજી મિશિગન યુનિવર્સિટી છે. આ સિવાય પ્રજ્ઞાને અન્ય યુનિવર્સિટીઓમાંથી પણ અભ્યાસ માટે ઓફર મળી છે.