રાજ્યના ભાભર (બનાસકાંઠા)માં આવેલી દેશની સૌથી મોટી ગૌ - હોસ્પિટલ ધરાવતી ગૌશાળા હાલમાં લમ્પી રોગના કારણે નાણાકીય ભીડમાં મુકાઈ છે. જલારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત આ ગૌશાળા પર હાલમાં બે કરોડનું દેવું થઈ ગયું છે જેનું કારણ છે ગાયોમાં ફેલાયેલો લમ્પી રોગ. આ રોગચાળાને લીધે હાલમાં ગાયોને વધુ પડતો પૌષ્ટિક આહાર આપવો પડે છે જેના લીધે દૈનિક ખર્ચમાં આશરે 50 ટકા જેટલો ખર્ચ વધી ગયો છે. આ ખર્ચ વધીને રોજનો 10 લાખ સુધી પહોંચી ગયો છે. હાલમાં સંસ્થામાં 10,000 જેટલી અશક્ત, વૃદ્ધ, બીમાર અને લમ્પીગ્રસ્ત ગાયો અને નંદી છે.
300 કિમી એરિયામાં ગાય લેવા માટે 22 એમ્બ્યુલન્સ
250 ગોવાળ, 50 મેડિકલ સ્ટાફ ગાયની સેવામાં, 1999માં સ્થાનિક સ્તરે શરૂ થયેલી આ ગૌશાળામાં 300 કિમી ઘેરાવામાં કોઈ પણ બીમાર, ફ્રેક્ચર થયેલી કે એસિડ એટેકનો ભોગ બનેલી ગાયને લાવવા માટે વિશેષ ડિઝાઇનની 22 એમ્બ્યુલન્સ છે. 250 ગોવાળ અને 50 મેડિકલ સ્ટાફ સતત તેમની દેખરેખ રાખે છે.