રૈયા રોડ પર ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સને તેમજ દારૂ પીને ટહેલવા નીકળેલા 35થી વધુ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. તદઉપરાંત બે સ્થળેથી વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
વાવડી વિસ્તારમાં આવેલા જીવરાજ એસ્ટેટ સામે કુળદેવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં કેટલાક યુવાનોએ દારૂની મહેફિલનું આયોજન કર્યાની પોલીસને માહિતી મળી હતી. માહિતી મુજબના સ્થળે પોલીસે દરોડો પાડતા દારૂની મહેફિલ માણી રહેલા ચાર યુવાનના હોશકોશ ઊડી ગયા હતા.
દારૂની મહેફિલ માણી રહેલા નિલેશ ચીમનલાલ કંટારિયા, કલ્પેશ બાબુ લાંબ, રાહુલ મોહન પાસવાન અને શશિ ઓકિલમંડળ તાતીને ઝડપી લીધા હતા. ઓફિસમાંથી વિદેશી દારૂ ઉપરાંત નાસ્તાના પડીકા તેમજ ત્રણ મોબાઇલ, એક બાઇક મળી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા નિલેશ કંટારિયાએ તેની ઓફિસમાં દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. પોલીસે કાર્યવાહી કરી છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસને નશાખોરોને પકડવાની ડ્રાઇવ વચ્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 50થી વધુ શખ્સને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઇ તેમની સામે કાર્યવાહી કરી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવ્યો હતો. તેમજ ભાવનગર રોડ, મયૂરનગર મફતિયાપરામાં રહેતા ધવલ ધીરેન પૂજારા નામનો શખ્સ તેના મકાનમાંથી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો.