ભચાઉ તાલુકાના છેલ્લા પંદરેક દિવસથી અજ્ઞાત રોગચાળામાં ફસાયેલા 500 જેટલા ઘેટા મોતને ભેટ્યા હતા. ટપોટપ થઇ રહેલા મોતને કારણે પાયમાલ બનેલા માલધારીઓ તંત્રની સાથે દાતાઓ મદદ કરે તેવી ગુહાર લગાવી રહ્યા છે.
અજ્ઞાત રોગચાળામાં 500 જેટલા ઘેટા મોતને ભેટ્યા
આ અંગે ગામના માલધારી સાજણ રબારીએ વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, તેમના અને વજુ વેરશીના 100-100 મળીને 200 ઘેટા મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. આ ઉપરાંત ચકુ વેરશી, ખોડા નારણ, મંગા વેરશી, સોમા હરજી, રાણા વીશા સહિતના માલધારીઓના મળીને અત્યાર સુધી 500 જેટલા ઘેટાના મોત થયા છે. રોગના લક્ષણો જણાવતાં તેમણે કહ્યું હતું કે, બીમારીમાં ફસાયેલા ઘેટાના નાકમાંથી લોહી પડે છે અને શરીરે ફોલા પડી જાય છે છેવટે તરફડીને પ્રાણ આપી દે છે.
માલધારીઓને 30 લાખ જેટલું આર્થિક નુક્સાન
એક ઘેટાની સરેરાશ કિંમત 6 હજાર લેખે અત્યાર સુધી માલધારીઓને 30 લાખ જેટલું આર્થિક નુક્સાન થયું છે. પશુ પાલકોની હાલત એટલી કફોડી છે કે, માલનું મોત થતાં હાલે તેમના હાથમાં માત્ર લાકડી બચી છે. સરકાર, સમાજ કે સંસ્થા આર્થિક મદદ નહી કરે તો માલધારીઓને મજૂરી કરવાનો વારો આવશે. હજુ પણ ઘેટાના ટપોટપ મોત થઇ રહ્યા છે ત્યારે પશુ પાલન વિભાગ દ્વારા રોગચાળો રોકવા માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.