ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. ICCએ આ ટીમમાં ટાઈટલ વિજેતા ભારતીય ટીમના છ ખેલાડીનો સમાવેશ કર્યો છે. સ્ટાર બેટર વિરાટ કોહલીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સાથે જ રનર અપ સાઉથ આફ્રિકાની ટીમનો કોઈ ખેલાડી ટૉપ-11માં સ્થાન મેળવી શક્યો નથી. એનરિક નોર્કિયાને 12મા ખેલાડી તરીકે પસંદ કર્યો છે.
રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતીય કેપ્ટન ટુર્નામેન્ટનો બીજો ટૉપ સ્કોરર હતો. ઓસ્ટ્રેલિયા સામે તેણે 41 બોલમાં 92 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
રહેમાનુલ્લા ગુરબાઝે ઈબ્રાહિમ ઝદરાન સાથે મળીને અફઘાનિસ્તાન માટે શાનદાર ઓપનિંગ કરી હતી. આ બંનેએ ટુર્નામેન્ટમાં ઓપનિંગ પાર્ટનર તરીકે 446 રન બનાવ્યા હતા. ગુરબાઝે યુગાન્ડા (76), ન્યૂઝીલેન્ડ (80), ઓસ્ટ્રેલિયા (60) અને બાંગ્લાદેશ (43) સામે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે 281 રન સાથે ટુર્નામેન્ટનો ટૉપ સ્કોરર હતો.
નિકોલસ પૂરન ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડીઝ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. પૂરને તેની 98 રનની ઇનિંગ સાથે ટીમને અફઘાનિસ્તાન સામે શાનદાર જીત અપાવી હતી. આ ટુર્નામેન્ટમાં કોઈપણ ખેલાડીનો આ સર્વોચ્ચ સ્કોર પણ હતો.
સૂર્યાએ ટુર્નામેન્ટમાં બે અડધી સદી ફટકારી હતી અને ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં 47 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ફાઈનલમાં ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ કેચ લઈને ભારતનો ખિતાબ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ઓવરના પહેલા બોલ પર તેણે ડેવિડ મિલરનો કેચ લીધો હતો, જેના કારણે સાઉથ આફ્રિકા હારી ગયું હતું.