શહેરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેવાની ઘટના સમયાંતરે બને છે. ત્યારે વધુ બે ઘટના બની હતી, જેમાં છોટુનગરમાં રહેતી મિઝોરમની યુવતીને તેની મોટી બહેને ફરવા જવાની ના કહેતા યુવતીએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી, તેમજ ઘંટેશ્વરની આશાપુરા રેસિડેન્સીમાં રહેતા યુવકે પણ આપઘાત કરી લીધો હતો. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
છોટુનગરમાં ભાડાના મકાનમાં રહેતી મિઝોરમની યુવતી લલમોન્ઝીલી છકછુપાક (ઉ.વ.26)એ બુધવારે વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે પડદો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, સવારે તેની બહેન જાગી ત્યારે યુવતીનો લટકતો દેહ જોવા મળ્યો હતો, ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મિઝોરમની બંને બહેનો ઉપરોક્ત સ્થળે રૂમ ભાડે રાખીને રહેતી હતી અને ખાનગી નોકરી કરતી હતી, મંગળવારે રાત્રે લલમોન્ઝીલીએ ફરવા જવાની વાત કરી હતી પરંતુ તેની મોટી બહેને ના કહેતા તે બાબતનું માઠું લાગી આવ્યું હતું, રાત્રે મોટી બહેન પોતાના રૂમમાં સુવા ગયા બાદ લલમોન્ઝીલીએ અંતિમ પગલું ભરી લીધું હતું.
અન્ય બનાવમાં ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આશાપુરા રેસિડેન્સીમાં રહેતા મહિપાલસિંહ સોહનસિંહ ચૌહાણે (ઉ.વ.18) પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૌહાણ પરિવાર રાજસ્થાનનો વતની છે અને વર્ષોથી રાજકોટ રહે છે, મહિપાલસિંહ ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરનો હતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો, યુવાન પુત્રના ફાંસો ખાઇ આપઘાતથી ચૌહાણ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી. આ બન્ને આપઘાતના બનાવમાં યુવતી અને યુવકે ક્યા કારણોસર ફાંસો ખાધો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.