મિલેનિયલ્સ એટલે કે 1980-1995 વચ્ચે અને ઝેન-ઝી એટલે કે 1996-2000 વચ્ચે જન્મેલા લોકોનો પુસ્તકોમાં રસ ઝડપથી વધી રહ્યો છે. તે અલગ-અલગ પ્રકારની અનોખી બુક ક્લબ બનાવી રહ્યા છે. બુક ક્લબના સભ્ય સાર્વજનિક રીતે બાર, કેફે, પુસ્તકોની દુકાનો અને પુસ્તકાલયોમાં માત્ર વાંચવા એકઠા થાય છે.
હાલમાં જ કરેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે અમેરિકામાં 2022ની સરખામણીએ 2023માં બુક ક્લબ રીડિંગ ઇવેન્ટ્સમાં પણ 24%ની વૃદ્ધિ થઈ છે. કોઈ વિશિષ્ટ થીમ, વિષયના બુક ક્લબ કાર્યક્રમોમાં આવનારા લોકોની સંખ્યામાં 82%ની વૃદ્ધિ જોવા મળી. જ્યારે, સાઇલન્ટ બુક ક્લબોમાં 23%ની વૃદ્ધિ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે બુક ક્લબોની વધતી લોકપ્રિયતા કોરોના કાળ દરમિયાન એકલતામાંથી બહાર આવવાની કોશિશ અને વ્યક્તિગત અનુભવોમાં એક નવી રુચિને દર્શાવે છે. તેને ડિજિટલ ઉપકરણોના ઉપયોગથી વધતા થાકથી છુટકારો મેળવવાના પ્રયાસ રૂપે પણ જોવામાં આવે છે.
સોશિયલ મીડિયા પણ યુવા વાંચકો વચ્ચે પુસ્તકો અને બુક ક્લબોમાં રુચિ વધારી રહ્યું છે. યુવાનોને વિભિન્ન શૈલીઓ અને લેખકોના પુસ્તકોથી પરિચિત કરાવવા અને તેનું વેચાણ વધારવાનો શ્રેય સોશિયલ મીડિયાને અપાઈ રહ્યો છે. પુસ્તકોને વાંચવાના અનુભવોનું વર્ણન કરવા માટે અલગ-અલગ પ્લેટફોર્મ પર ખાસ પેજ કે એકાઉન્ટ બનાવાઈ રહ્યાં છે.