સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર 16 જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે, આ તમામ ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની મેડિકલ કે ડૉક્ટરની ડિગ્રી નથી. તેઓ માત્ર ધોરણ-10 અથવા 12 સુધી જ ભણ્યા છે.
સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે, શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડૉક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે અલગ-અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના અને ડીંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે SOG પણ ચોકી ઉઠી હતી. SOGની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટરની ક્લિનિક પર પહોંચી તો જોયું કે, ત્યાં માત્ર ધોરણ-10 અને 12 સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે. ક્લિનિકમાં 4-5 એવા દર્દીઓ હતા કે, જેઓને ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવી રહ્યા હતા.