શહેરમાં વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી માલમતાનો હાથફેરો કરી ગયા છે. આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર, માધવવાટિકા-6માં રહી પ્લમ્બિંગનું કામ કરતા સાગરભાઇ મનોજભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મૂળ ગામ જેતપુરમાં માતાજીના નેવૈદ હોય ગત તા.29ની બપોરે ત્રણ વાગ્યે માતા-પિતા સહિતના પરિવારના સભ્યો સાથે જેતપુર ગયા હતા. પ્રસંગ પૂરો કરી તા.30ની બપોરે દોઢ વાગ્યે પરત રાજકોટ આવ્યા ત્યારે બંધ મકાનના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.
જેથી ઘરમાં જઇ તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ અને કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા. કબાટની તિજોરી તપાસતા અંદર રાખેલા રૂ.2,72,300ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં ગાયબ હતા. આમ 22 કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા હોય આજી ડેમ પોલીસને જાણ કરી હતી. ચોરીના બનાવની જાણ થતા પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટના નિષ્ણાતોની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.