બ્રિટનમાં રહેતા હિંદુઓમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક પ્રત્યે નારાજગી વધી રહી છે. સુનક સરકાર ભારતીય પૂજારીઓને વિઝા આપી રહી નથી. જેના કારણે બ્રિટનમાં લગભગ 500માંથી 50 મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક મંદિરોમાં અનેક કામો અટકી પડ્યા છે.
હકીકતમાં, બ્રિટનમાં લગભગ 20 લાખ ભારતીય હિંદુઓ રહે છે, જેમના માટે પૂજારી મહત્વપૂર્ણ છે. મંદિરોમાં સેવા કાર્યની સાથે, પૂજારીઓ ભારતીયોના ગૃહપ્રવેશ અને લગ્ન સમારંભો પણ સંપન્ન કરે છે.
બર્મિંગહામના લક્ષ્મીનારાયણ મંદિરના મદદનીશ પૂજારી સુનીલ શર્મા કહે છે કે સુનક સરકાર વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવે તેવી અપેક્ષા હતી. હિંદુ હોવાને કારણે ઋષિ સુનક અમારી સમસ્યાઓ સમજશે. પરંતુ સરકાર હજુ સુધી આમ કરવામાં નિષ્ફળ રહી છે.
વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. લેબર પાર્ટીના વરિષ્ઠ સાંસદ ગેરેથ થોમસે પણ ગૃહમંત્રીને પત્ર લખીને ટિયર 5 ધાર્મિક કાર્યકર વિઝાની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ કરી છે.
ક્યાંક પરમિટની ખોટી તારીખ તો ક્યાંક ખોટો અનુવાદ
રામ મંદિર, બર્મિંગહામઃ પૂજારીની બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ (BRP)માં ખોટી વિઝા એક્સપાયરી ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 6 લાખ ફી પણ ચૂકવી હતી, પરંતુ તેમાં સુધારો થયો ન હતો. પરિણામે પૂજારીને અકાળે બ્રિટન છોડવું પડ્યું.
લક્ષ્મીનારાયણ મંદિર, બર્મિંગહામઃ પૂજારીના વિઝા ન મળતા મંદિર બંધ કરવું પડ્યું હતું. ફરિયાદ બાદ પૂજારીના વિઝા ઈસ્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણ આપ્યા વગર તેમની પત્નીના વિઝા ઈસ્યુ કરવામાં આવ્યા ન હતા.