રાજ્યભરમાં વ્યાજખોરોના ત્રાસ સામે થોડા સમય પહેલા તેમની સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ પોલીસ તંત્રે શરૂ કરી હતી. જે ઝુંબેશ વચ્ચે રાજકોટ રેન્જમાં આવતા જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં રેન્જ વડા અશોકકુમાર યાદવના નેજા હેઠળ અનેક સ્થળોએ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે તે માટે અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ 628 સ્થળે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.5થી 31 જાન્યુઆરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 68, જામનગર જિલ્લામાં 106, મોરબી જિલ્લામાં 217, રાજકોટ ગ્રામ્યમાં 164 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 73 લોકદરબાર થયા હતા. પાંચ જિલ્લામાં યોજાયેલા લોકદરબાર દરમિયાન દેવભૂમિ દ્વારકામાં 13, જામનગરમાં 21, મોરબીમાં 14, રાજકોટ ગ્રામ્યમાં 13 અને સુરેન્દ્રનગરમાં 13 મળી કુલ 74 ફરિયાદ રેન્જ પોલીસને મળી હતી. ઉપરોક્ત 74 ફરિયાદ પૈકી 46 ફરિયાદ યોગ્ય જણાતા અને તે ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે વ્યાજખોરો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જ્યારે 28 રજૂઆતોની તપાસ શરૂ કરી છે.