રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગે આજે (13 માર્ચે) અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. બુધવારે (12 માર્ચે) રાજ્યમાં 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગના મતે આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
રાજકોટ શહેર-જિલ્લામાં ઉનાળાનાં પ્રારંભે ભારે ગરમીને લઈ લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આગામી 2 દિવસ હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા હોય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનનો પારો વધતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. તેમજ શાળાઓનાં ગ્રાઉન્ડમાં શેડ બાંધવા અને ORS કોર્નર ઉભા કરવા અને પાણીની વ્યવસ્થા કરવા ઉપરાંત લોકોને પણ જરૂરી કામ સિવાય બપોરનાં સમયે ઘરની બહાર ન જવા જિલ્લાનાં આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સાથે જ હીટ સ્ટ્રોક જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.