તુર્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બે નર્સ નવજાત બાળકોને ભૂકંપથી બચાવતી જોવા મળે છે. 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં 3 મોટા ભૂકંપ આવ્યા હતા. એને કારણે તુર્કીના 10 શહેરની સાથે સિરિયામાં પણ વિનાશ સર્જાયો હતો. અત્યારસુધીમાં 29 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. લગભગ 80 હજાર લોકો ઘાયલ થયા છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીનું ગાઝિયાંટેપ શહેર હતું. આ જ શહેરની એક હોસ્પિટલમાં લગાવેલા CCTV કેમેરામાં બે નર્સ નવજાત બાળકોનો જીવ બચાવતી કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં કેટલાંક નવજાત બાળકો ઈન્ક્યુબેટર્સમાં સૂઈ રહ્યાં છે. ત્યારે જ ભૂકંપને કારણે ધરતી ધ્રૂજવા લાગે છે અને બે નર્સ આવીને ઈન્ક્યુબેટરને પકડી રાખે છે, જેથી એ પડી ન જાય અને બાળકોને કોઈ પ્રકારનો આંચકો ન લાગે.
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, 1939માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 30 હજાર લોકોનાં મોત થયાં હતાં. 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારથી વધુ છે. UNને મદદ મોકલનાર યુનિટના ચીફ માર્ટિન ગ્રિફિથ્સે કહ્યું - ભૂકંપથી મૃત્યુઆંક બમણો થઈ શકે છે. જેમ જેમ કાટમાળ હટાવવામાં આવશે તેમ તેમ મૃતદેહો બહાર કાઢવામાં આવશે.