અમદાવાદની આંબેડકર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ અને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ફ્રેન્ચાઈઝીના માધ્યમથી સેનિટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ ગેરકાયદે રીતે ચલાવતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ આ મુદ્દે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ તપાસ કરવાનું પણ કહ્યું છે. ત્યારે ચોંકાવનારી હકીકત મળી છે કે, ગત વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કેગ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું ત્યારે સંખ્યાબંધ ક્ષતિઓ સામે આવી હતી.
સૌથી મહત્ત્વની અને આશ્ચર્યની વાત એ છે કે, યુનિ.ના સંચાલકોએ ગત વર્ષે ઓડિટ કરનાર અધિકારીને લેખિતમાં આપ્યું હતું કે, અમે ફ્રેન્ચાઈઝીના માધ્યમથી ચાલતો સેનિટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ બંધ કરી દેશું. ત્યારે અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે, એસઆઈનો કોર્સ બંધ કરી દેવાનું શા માટે લેખિતમાં આપવું પડ્યું? અને જો લેખિતમાં આપ્યું છે તો આજદિન સુધી એસઆઈનો કોર્સ શા માટે ચાલુ રાખવામાં આવ્યો છે? ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ ડો. અમીબેન ઉપાધ્યાય અને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. ભાવિન ત્રિવેદી મીડિયા અને શિક્ષણ વિભાગને પણ ગેરમાર્ગે દોરીને એવી સ્પષ્ટતા કરી રહ્યા છે કે, તેમની યુનિવર્સિટી દ્વારા ફ્રેન્ચાઈઝીના માધ્યમથી ચલાવવામાં આવતો સેનિટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ કાયદેસર રીતે ચલાવાઈ રહ્યો છે. જોકે, યુજીસીના રેગ્યુલેશન 2020 મુજબ આ કોર્સ ફ્રેન્ચાઈઝીના માધ્યમથી ચલાવી શકાય નહીં. આમ છતાં ઉપરોક્ત બંન્ને સત્તાધીશો શિક્ષણ વિભાગને પણ ઊઠાં ભણાવીને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે. દરમિયાન એક હકીકત એવી પણ બહાર આવી છે કે, જેની પ્રોફેસર તરીકે જ ભરતી ખોટી રીતે કરાઈ છે તે ડો. અમીબેન ઉપાધ્યાયની કાર્યકારી કુલપતિ તરીકે નિમણૂક પણ ગેરકાયદે રીતે કરવામાં આવી છે.