મેંગણી પોસ્ટ ઓફિસના બચત ખાતા અને દૈનિક વ્યવહારોમાં ગરબડ કરીને રૂ.9.97 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાની સીબીઆઈએ ફરિયાદ નોંધી છે. તેમાં પોસ્ટ માસ્તર સહિત 13 સામે ગુનો દાખલ કરાયો છે. ગોંડલ નોર્થ ડિવીઝનલ પોસ્ટ ઓફિસના અધિકારીએ યશવંત બી. જોશી, હેમાંગ ભૂપત વ્યાસ, કાંતિલાલ એન. ટાંક સહિત 13 સામે ફરિયાદ કરી છે.
ગાંધીનગર સીબીઆઈએ લાંચ રૂશ્વતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. 9 કરોડથી વધુની રકમના આ કૌભાંડના મુખ્ય સુત્રધારે સાડા ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધો છે. ગોંડલ ડિવિઝનલ પોસ્ટ ઓફિસ દ્વારા ગાંધીનગર સીબીઆઈમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, મેંગણી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર પરસોતમ એ. ભલ્લા તથા તેના સાગરિતો દ્વારા તા.16-10- 2019થી તા.21-11-2022 સુધીમાં દૈનિક વ્યવહારોમાં યુટિલીટી ટૂલ દ્વારા મેન્યુઅલી નકલી ચુકવણી અપલોડ કરીને જૂના કેવીપી વ્યાજના હેડમાં સુધારો કરવામાં આવતો હતો.