દેશમાં નવેમ્બર દરમિયાન ખાદ્યપદાર્થોની કિંમતોમાં ખાસ કરીને ડુંગળી અને શાકભાજીની કિંમતોમાં વધારાને કારણે જથ્થાબંધ ફુગાવો આઠ મહિનાના સર્વોચ્ચ સ્તરે 0.26% નોંધાયો છે. એપ્રિલથી WPI ફુગાવો નેગેટિવ ઝોનમાં હતો અને ઓક્ટોબરમાં તે -0.52% હતો. અગાઉ માર્ચ દરમિયાન WPI ફુગાવો 1.41% નોંધાયો હતો.
નવેમ્બર 2023 દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓ, મિનરલ્સ, મશિનરી અને ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ અને ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ, મોટર વ્હીકલ્સ, અન્ય પરિવહન સાધનોની કિંમતોમાં વધારાને કારણે ફુગાવો વધ્યો હતો તેવું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું. ખાદ્ય ફુગાવો પણ નવેમ્બરમાં વધીને 8.18% નોંધાયો છે, જે ઓક્ટોબર દરમિયાન 2.53% હતો.
નવેમ્બરમાં ડુંગળીમાં પણ મોંઘવારી દર વધીને 101.24%એ પહોંચ્યો હતો, જે ગત મહિના દરમિયાન 62.60% હતો. ગત સપ્તાહે સરકારે સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા વધારવા તેમજ કિંમતોને અંકુશમાં રાખવા માટે ડુંગળીની નિકાસ પર રોક લગાવી હતી, જેની કિંમત રિટેલ માર્કેટમાં વધીને કિલોદીઠ રૂ.80 પર પહોંચી હતી. તે જાન્યુઆરી સુધીમાં ઘટીને કિલોદીઠ રૂ.40 થાય તેવી શક્યતા છે. જ્યારે શાકભાજીમાં ફુગાવો 10.44% હતો, જે ઓક્ટોબર દરમિયાન -21.04% રહ્યો હતો.