કુવાડવા વિસ્તારમાં સતત બીજા દિવસે તસ્કર ટોળકીએ તરખાટ મચાવતા સ્થાનિક પોલીસની સાથે મહત્ત્વની બ્રાંચો પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે. ત્રિમંદિરમાં સેવા આપતા ભરતસિંહ માનસિંહ જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે સવારે મંદિરમાં ચોરી થયાની ટ્રસ્ટીએ પોતાને જાણ કરતા પોતે તુરંત મંદિરે દોડી ગયા હતા. તપાસ કરતા સાંઇબાબા મંદિરની પાસેના ફેન્સિંગ તાર તૂટેલા તેમજ સાંઇબાબા મંદિરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. અને અંદર રાખેલી એક દાનપેટી તૂટેલી તેમજ બે દાનપેટી ગાયબ હતી. જેથી સિક્યુરિટી ગાર્ડને પૂછતા તે રાત્રીના સૂઇ ગયાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રીના 2.20ના સમયે ત્રણ શખ્સ ફેન્સિંગના તાર તોડી અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. બાદમાં તસ્કરોએ એક દાનપેટીમાંથી રોકડ કાઢી લીધી હતી. ત્યાર બાદ ભગવાન શંકરના મંદિરમાંથી અને કૃષ્ણ ભગવાનના મંદિરમાંથી બે દાનપેટી સાથે લઇ જઇ 3.30ના સમયે ત્રિપુટી મંદિર પરિસરમાંથી બહાર નીકળી ભાગી ગયા હતા.