વીમા પોલિસી લેનાર ગ્રાહકોને યેનકેન પ્રકારે તેમના ક્લેમ નામંજૂર કરી દેવાનો વીમાકંપનીઓ દ્વારા જાણે ચીલો શરૂ થયો છે. ત્યારે ગ્રાહકોને એક પ્રકારે ઊઠાં ભણાવવાની નીતિ અપનાવતી જુદી જુદી વીમાકંપનીઓ સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશને લાલ આંખ કરી અનેક કેસમાં વીમાકંપનીઓને લપડાક આપી છે. વધુ એક કેસમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીને તેના પોલિસીધારકને ખર્ચની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા તેમજ રૂ.5 હજારનો ખર્ચ પણ ચૂકવવાનો રાજકોટ ગ્રાહક નિવારણ કમિશને હુકમ કર્યો છે.
પ્રુ હેલ્થ સેવર નામની સ્કીમમાં વાર્ષિક રૂ.50 હજાર ભર્યા
શૈલેષભાઇ ગોવિંદદાસ ઉદેશી ઉપરોક્ત વીમાકંપનીમાંથી પ્રુ હેલ્થ સેવર નામની સ્કીમમાં વાર્ષિક રૂ.50 હજાર ભર્યા હતા. તેમજ સાથે સંલગ્ન મેડિકલેમ પોલિસી સમઇન્સ્યોર્ડ રૂ.10 લાખની પણ લેવામાં આવી હતી. દરમિયાન શૈલેષભાઇના પુત્રની તબિયત લથડતાં તબીબની સૂચના મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. લાંબી સારવાર કારગત નહિ નિવડતા શૈલેષભાઇના પુત્રનું મૃત્યુ થયું હતું. પુત્રના મૃત્યુ બાદ શૈલેષભાઇએ વીમાકંપનીને કેશલેસ પ્રી ઓથોરાઇઝેશન માટે જાણ કરી હતી, પરંતુ વીમાકંપનીએ કોઇ પણ તપાસ કર્યા વગર કેશલેસ ઓથોરાઇઝેશનનો અસ્વીકાર કર્યો હતો.