ઝિમ્બાબ્વેમાં અર્થતંત્રની હાલત ખરાબ છે ત્યારે રોકાણકારોનો રોકાણ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. અહીં લોકો પોતાના પૈસા બેન્કમાં જમા કરાવવાને બદલે ગાય અને ભેંસોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં છે. દેશમાં વધતી મોંઘવારી પણ રોકાણના ટ્રેન્ડમાં બદલાવનું એક કારણ છે. ગત 20 વર્ષમાં અનેક લોકો પોતાની પરસેવાની મૂડી અને પેન્શન બેન્કમાં ગુમાવી ચૂક્યા છે.
ગત જૂનમાં જ અહીં મોંઘવારી દર 192% નોંધાયો હતો. બેન્કોમાં પૈસા રાખવાથી તેમની જમા મૂડી ઘટી રહી છે, જેને કારણે બેન્કો પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. જેને કારણે કેટલાક લોકો મૂડીને બચાવવા માટે સુરક્ષિત ઉપાય શોધી રહ્યા છે અને ઢોરમાં રોકાણ તેમને ફાયદાકારક સાબિત થઇ રહ્યું છે. વિશેષજ્ઞો પણ તેને સોનાથી શ્રેષ્ઠ વિકલ્પ માને છે.
ખાસ વાત એ છે કે થોડાક સમય પહેલાં સરકારે સોનાના સિક્કા લોન્ચ કર્યા હતા. પરંતુ તે સિક્કા ખરીદવામાં લોકોને રસ નથી. જણાવી દઇએ કે ઝિમ્બાબ્વેમાં જીડીપીનો 35% થી 38% હિસ્સો ઢોર આધારિત ક્ષેત્રમાંથી આવે છે. દક્ષિણ આફ્રિકાના આ દેશમાં મૂડીને વધારવા માટે ઢોરમાં રોકાણની જૂની પરંપરા રહી છે.
ટેડ એડવર્ડ્સ સિલ્વરબેન્ક એસેટ મેનેજર્સના મુખ્ય કાર્યકારી અધિકારી છે. મજાકમાં કેટલાક લોકો તેમની બેન્કને રડતી બેન્ક પણ કહે છે. આ એક યુનિટ ટ્રસ્ટ છે જે ઢોર પર આધારિત છે. એડવર્ડ્સ અનુસાર, ગાય કેટલાક લોકો માટે સુરક્ષિત વિકલ્પ છે.