રાજકોટ શહેરમાં પોલીસને માત્ર ચોક્કસ કામગીરીમાં જ રસ હોવાથી લુખ્ખાઓ બેફામ બન્યા છે. મકરસંક્રાંતિની રાત્રીના ચાની હોટેલ પર રૂ.100ના મુદ્દે ચાર શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીંકી પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા.
150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટેલ ધરાવતાં જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા (ઉ.વ.40) મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટેલે હતા ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટેલે ગયો હતો અને ચાની હોટેલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી, ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી.