કેજરીવાલની ધરપકડ પર અમેરિકાના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતમાં હાજર અમેરિકાના કાર્યવાહક ડેપ્યુટી ચીફ ઓફ મિશન સાથે લગભગ 40 મિનિટ સુધી બેઠક થઈ હતી. હકીકતમાં જર્મની બાદ મંગળવારે અમેરિકાએ પણ અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે નિવેદન આપ્યું હતું.
આ પછી વિદેશ મંત્રાલયે પણ અમેરિકાના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું- ભારતમાં કાનૂની કાર્યવાહી પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન ખોટું છે. કૂટનીતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશો એકબીજાના આંતરિક મુદ્દાઓ અને સાર્વભૌમત્વનું સન્માન કરશે.
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું- જો બે દેશો લોકતાંત્રિક હોય તો આ અપેક્ષા વધી જાય છે, નહીં તો અરાજકતાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતમાં કાનૂની પ્રક્રિયા સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. તેની નિંદા કરવી અથવા પ્રશ્નો ઉઠાવવા સ્વીકારવામાં આવશે નહીં.