હોળીના તહેવાર પર દ્વારકામાં થતા ફૂલડોલ કાર્યક્રમનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે, અને આ મહોત્સવમાં ભાગ લેવા રાજ્યભરમાંથી અનેક લોકો ચાલીને દ્વારકા જઇ રહ્યા છે, ચોટીલાના પિયાવાથી નીકળેલો પદયાત્રી સંઘ રવિવારે જામનગર રોડ પર લૈયારા પાસે પહોંચ્યો હતો ત્યારે ચાલી રહેલા બે પ્રૌઢને કારે ઉલાળ્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થઇ હતી.
ચોટીલાના પિયાવા ગામથી ત્રણ દિવસ પૂર્વે પદયાત્રી સંઘ દ્વારકા જવા નીકળ્યો હતો, જય દ્વારકાધીશના નાદ સાથે સંઘ આગળ વધતો હતો અને રસ્તામાં ઠેરઠેર તેનું સ્વાગત પણ થતું હતું, રવિવારે સવારે 9 વાગ્યાના અરસામાં જામનગર રોડ પર લૈયારા પાસે સોમનાથ હોટેલ નજીક સંઘ પહોંચ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે અજાણી કાર ધસી આવી હતી અને પિયાવાના પદયાત્રી હામાભાઇ રાજાભાઇ ધગેલ (ઉ.વ.65) અને રામુભાઇ સામતભાઇ જોગરાજવા (ઉ.વ.50)ને ઉલાળ્યા હતા, કારે બંનેને ફૂટબોલની જેમ ઉલાળતાં અન્ય પદયાત્રીઓમાં સન્નાટો છવાઇ ગયો હતો અને ઘવાયેલા ઉપરોક્ત બંનેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાથી ગંભીર રીત ઘવાયેલા રામુભાઇ જોગરાજવાનું મોત નીપજ્યું હતું.