રાજકોટના આજી નદીમાં અને નદીકાંઠા વિસ્તારમાં ક્યુલેક્સ મચ્છરોના ભારે ઉપદ્રવની ફરિયાદો ઉઠ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશના પગલે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા અને મચ્છરોના પોરાનો નાશ કરવા આજી નદીમાં ફોગિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આજી નદીની વચ્ચેના ભાગમાં મચ્છરોની ઉત્પત્તિ ખૂબ જ વધુ હોય તેનો નાશ કરવા મહાનગરપાલિકા દ્વારા ગુરુવારથી ડ્રોનથી દવાનો છંટકાવ શરૂ કરાયો છે.
મેલેરિયા વિભાગના વૈશાલીબેન રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, બેડી ગામ માર્કેટ યાર્ડ પાછળ આજી નદીમાં મચ્છરોની ભારે ઉત્પત્તિથી આસપાસની તમામ સોસાયટીના રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે અને મચ્છરજન્ય રોગચાળો વકરતો અટકાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજી નદીમાં ડાયફ્લુબેન્ઝુરોન નામની દવાનો છંટકાવ શરૂ કરાવવામાં આવ્યો છે. આજી નદીની વચ્ચે મચ્છરોની ભારે ઉત્પત્તિ થતી હોય તેના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવ શરૂ કરાયો છે.
એક-એક ડ્રોનમાં 10-10 લિટર દવાની ટાંકી ફિટ કરી તેના મારફત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી ખાસ કરીને સવારે અને સાંજે જ્યારે મચ્છરોનો ત્રાસ વધુ હોય ત્યારે 4-4 કલાક કરવામાં આવે છે. આ કામગીરી આગામી 15 દિવસ સુધી ચાલુ રાખવાનું આયોજન કરાયું છે.