દેશના તમામ બજારમાં ડુંગળી 15થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પરંતુ એશિયાના સૌથી મોટા ડુંગળીના બજાર નાસિકમાં ખેડૂતોને 2થી 4 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવી પડી રહી છે. ગયા વર્ષે આ સમય દરમિયાન ખેડૂતોએ 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી હતી. આવી સ્થિતિમાં હવે ખેડૂતો આ વખતે નફો તો દૂર નુકસાન ભોગવી રહ્યા છે.
વિધાનસભામાં હંગામો, ડુંગળીની બોલી અટકી
NCP ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ગળામાં ડુંગળીના હાર અને માથા પર ડુંગળીની ટોપલીઓ સાથે વિરોધ કર્યો હતો. આ પહેલા સોમવારે નારાજ ખેડૂતોએ લાસલગાંવ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ડુંગળીની બોલી (હરાજી) અટકાવી દીધી હતી. લાસલગાંવમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂત અનિલ પંવાર કહે છે, 'એક એકરમાં લગભગ 50 ક્વિન્ટલ ડુંગળી થાય છે. તેમાં 40થી 50 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. વર્તમાન દરે 50 ક્વિન્ટલ માટે માત્ર 10 હજાર મળે છે.'
ઓલ ઈન્ડિયા વેજીટેબલ ગ્રોવર્સ એસોસિએશનના પ્રમુખ શ્રીરામ ગાડવે કહે છે કે, 12થી વધુ દેશોમાં ડુંગળીનું સંકટ છે. મનીલામાં 900 થી 1200 રૂપિયા પ્રતિ કિલો ભાવ છે. લંડનમાં 115 પ્રતિ કિલોનો ભાવ છે. કેન્દ્ર સરકારે આ દેશોમાં નિકાસ માટે જરૂરી પગલાં લેવા જોઈએ. હાલમાં ખેડૂતો ત્રણથી ચાર દેશોમાં ડુંગળી મોકલી શકે છે. આવી સ્થિતિમાં અમે અહીં ડુંગળીના ભાવ ઘટવાના કારણો વિશે જણાવી રહ્યા છીએ.