જેને સેવા કરવી જ છે તેને પ્રસિધ્ધિની કશી પડી જ હોતી નથી અને મુંગા મોઢે અબોલ પશુઓની સેવા ચાકરી કરતા હોય છે. ભાયાવદરમાં એવા બે ગ્રુપ કાર્યરત છે કે જેના સભ્યો દર વર્ષે ઉત્તરાયણની અલગ જ ઉજવણી કરે છે. આ વખતે 50 મણ ઘઉંના લોટના લાડવા બનાવી મુંગા પશુઓને ખવડાવવામાં આવ્યા હતા, જે માટે સભ્યો આખા શહેરમાં ફરી વળ્યા હતા.
ભાયાવદરમાં સતત અગિયાર વર્ષથી ઉત્તરાયણ પર્વની ઉજવણીના સેવાકીય ભાગ રૂપે શહેરના બે ગ્રુપ જેમાં ક્રિષ્ના અને ઉમિયાજી ગ્રુપના 80 યુવાનો દ્વારા આ સેવાકાર્ય કરાયું છે. ભાયાવદર શહેરમાંથી કોઈ પ્રકારનો ફાળો લીધા વગર શહેરમાં રખડતા અને પાંજરાપોળમાં રહેલા મૂંગા પશુઓ માટે ઘઉંના લાડવા તેમજ શેરી નાકામાં રખડતા શ્વાનો માટે બિસ્કીટનું વિતરણ કરીને સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.