વિશ્વની અજાયબીઓમાં સામેલ પિરામિડ અને મમીનું રહસ્ય જણાવનારો રોસેટા સ્ટોન ઇજિપ્તે પાછો માગ્યો છે. અંદાજે 2,200 વર્ષ પ્રાચીન આ સ્ટોન 222 વર્ષ પૂર્વે અંગ્રેજો ઇંગ્લેન્ડ લઇ ગયા હતા. બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શિત રોસેટા સ્ટોન દર્શકો દ્વારા સૌથી વધુ જોવાતી કલાકૃતિ છે.
અંદાજે 760 કિલો વજન ધરાવતા રોસેટા સ્ટોનના કારણે જ આજે વિશ્વ ઇજિપ્તની હિયરોગિલ્ફિક ભાષા સમજી શક્યું છે. તેના પર એક જ સંદેશ 3 ભાષામાં લખેલો છે અને હિયરોગિલ્ફિક ભાષા તે પૈકી એક છે. આ ભાષા પ્રાચીન ઇજિપ્તના પૂજારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હતી અને તેમના મોટા ભાગના ધર્મગ્રંથો તે ભાષામાં જ લખાયા છે. 1,400 વર્ષ પૂર્વે લુપ્ત થઇ ચૂકેલી હિયરોગિલ્ફિક ભાષાનો અનુવાદ રોસેટા સ્ટોન મળવાને કારણે જ શક્ય બન્યો.
આ પથ્થર 1799માં નેપોલિયનની સેનાએ ઇજિપ્તના અલ-રાશિદ શહેરમાં શોધ્યો હતો. તેને અંગ્રેજો રોસેટા ટાઉન કહેતા હોવાથી પથ્થર રોસેટા સ્ટોન તરીકે ઓળખાયો. ઇજિપ્તના પુરાતત્વ મંત્રી રહેલા જાહી હવાસ રોસેટા સ્ટોન પરત મેળવવા આવતા મહિને બ્રિટિશ મ્યુઝિયમને અરજી આપશે.