દેશમાં ખાદ્યતેલોની માગ ઝડપભેર વધવા લાગી છે બીજી તરફ સ્થાનિકમાં ઊંચા ભાવના કારણે આયાતી ખાદ્યતેલોમાં વધારો થયો છે. દેશમાં ક્રૂડપામ તેલની વધુ આયાતને કારણે ફેબ્રુઆરીમાં ભારતની ખાદ્યતેલની આયાત વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 10.98 લાખ ટન થઈ છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 9.84 લાખ ટનની રહી હોવાનું ઔદ્યોગિક સંસ્થા SEAએ જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાં અખાદ્ય તેલની આયાત ઘટીને 16,006 ટન થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 36,389 ટન હતી.
ખાદ્યતેલ (ખાદ્ય તેલ અને બિન-ખાદ્ય તેલ)ની કુલ આયાત ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 9 ટકા વધીને 11,14,481 ટન થઈ છે જે એક વર્ષ અગાઉ 10,19,997 ટન હતી. નવેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023ના સમયગાળા દરમિયાન, ખાદ્યતેલની આયાત વધીને 58,44,765 ટન થઈ છે જે અગાઉના તેલ માર્કેટિંગ વર્ષના સમાન સમયગાળામાં 45,91,220 ટન હતી. ઓઇલ માર્કેટિંગ વર્ષ નવેમ્બરથી ઓક્ટોબર સુધી ચાલે છે. 2022-23ના પ્રથમ ચાર મહિનામાં અખાદ્ય તેલની આયાત ઘટીને 43,135 ટન થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 99,938 ટન હતી. નવેમ્બર 2022-ફેબ્રુઆરી 2023 દરમિયાન ખાદ્યતેલની કુલ આયાત 26 ટકા વધીને 5,887,900 ટન થઈ છે જે અગાઉના વર્ષના 46,91,158 ટન હતી. ભારત ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામ તેલની આયાત કરે છે, જ્યારે સોયાબીન તેલ આર્જેન્ટિના અને બ્રાઝિલમાંથી આવે છે.