ફેમિલી ઈમરજન્સીના કારણે ભારતીય ટીમનો સ્પિનર આર અશ્વિન રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ શુક્રવારે આ જાણકારી આપી.
BCCIએ કહ્યું કે, અમે ચેમ્પિયન ક્રિકેટર અને તેના પરિવારને સપોર્ટ કરીએ છીએ. ખેલાડીઓ અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોર્ડ અશ્વિન અને તેના પરિવારની પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરે છે કારણ કે તેઓ આ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
રવિચંદ્રન અશ્વિને શુક્રવારે રાજકોટ ટેસ્ટમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. આ મુકામ સુધી પહોંચનાર તે માત્ર બીજો ભારતીય બોલર બન્યો છે. તેના પહેલા અનિલ કુંબલેએ 105 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ટેસ્ટ મેચના બીજા દિવસે આર અશ્વિને તેની 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. બીજા દિવસની રમત બાદ અશ્વિને પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. આમાં તેણે કહ્યું કે, હું ભૂલથી સ્પિનર બની ગયો હતો. 37 વર્ષીય ખેલાડીએ કહ્યું કે શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના કારણે જ ફુલ ટાઈમ સ્પિનર બનવાની તક મળી.