રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક્સીસ બેંક અને એટીએમમાંથી બે માસ પૂર્વે એટલે કે ગત 13 જાન્યુઆરીએ 500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ અને અમરેલીના પાંચ શખસો સાથે પુનાના સપ્લાયર અને મુખ્ય સુત્રધાર તેલંગાણાના શખસની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણાના શખસની પુછપરછમાં તેની બહેનની સંડોવણી ખુલતા આજ રોજ પોલીસે હૈદરાબાદ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટ આધારે કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં પોલીસ દ્વારા 3443 જાલી નોટો કબ્જે કરી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
500ના દરની 31 નકલી નોટો મળી આવી હતી
એ ડિવિઝન પોલીસે જાલી નોટ કૌભાંડમાં તેલંગાણાના મુખ્ય આરોપી રમેશબાબુની ધરપકડ કરતા તેની પુછપરછમાં તેની બહેનની સંડોવણી હોવાનું ખુલતા તેની તપાસ કરતા મળી આવેલ ન હતી જેમાં સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ પછી 20.02.2023 ના રોજ રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી હૈદરાબાદ ખાતે 26 લાખ કિંમતની રૂપિયા 500 ના દરની 5200 જાલી નોટ સાથે ઝડપાઈ હતી જેથી આજરોજ પોલીસે મહિલા આરોપીની ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી રામેશ્વરી ઉર્ફે અનુ કસ્તુરી અગાઉ 2022 માં પણ પોલીસના હાથે જાલીનોટના કેસમાં પકડાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.
કેસમાં પોલીસ દ્વારા 7 આરોપીની ધરપકડ કરવામાં આવી
એ ડિવિઝન પીઆઈ કે.એન.ભૂકણ અને ટીમે આંગડીયા મારફતે બેંકમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડમાં મૂળ અમરેલીના રાજુલાના હાલ રાજકોટમાં રહેતા ભરત મેરામભાઇ બોરીચા, રાજકોટના તેજસ રાજુ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, મયુર બીપીનભાઈ થડેશ્વર અને ગુરુપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણીની ધરપકડ કરી હતી. આ લોકોની પૂછપરછમાં પુનાના કમલેશ શીવનદાસ જેઠવાણીની સંડોવણી ખુલતા પોલીસે તેને પણ પુનાથી દબોચી લીધો હતો અને 6 શખસ પાસેથી 15,84,500ની કિમતની 3443 નકલી નોટો કબજે કરી હતી.