દેશની તમામ બેંકોમાં આજથી એટલે કે મંગળવાર (23 મે)થી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 3 દિવસ પહેલાં 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.
RBIની સમયમર્યાદા પછી પણ 2000ની નોટ કાયદેસર રહેશે. એટલે કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. ડેડલાઈન માત્ર લોકોને પ્રોત્સાહિત કરવા માટે છે, જેથી તેઓ આ નોટો જલદીથી બેંકોમાં પરત કરે.
નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૂર નથી
RBI અને SBIની ગાઈડલાઈન મુજબ, નોટો બદલવા માટે કોઈ IDની જરૂર નથી અને કોઈ ફોર્મ ભરવાનું નથી. એક સમયે 20,000 રૂપિયાની માત્ર 10 નોટો જ બદલી શકાશે, પરંતુ આ નોટો ખાતામાં જમા કરાવવા પર કોઈ મર્યાદા નથી. બેંકો 2000ની નોટ નહીં આપે.