યુક્રેનની સેનાએ પૂર્વીય વિસ્તારમાં ચીનમાં બનેલા મ્યૂઝિન-5 ડ્રોનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. ચીનની કંપની મ્યૂઝિને પણ આ ડ્રોન પોતાનું હોવાની પુષ્ટી કરી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રશિયા સામેની લડાઇમાં હવે ચીનની પણ એન્ટ્રી થઇ છે. ડ્રોનની અંદર 20 કિલોનો બોમ્બ પણ હતો. જોકે યુક્રેની સેના દ્વારા બોમ્બને નિષ્ક્રિય કરાયો હતો. રવિવાર સવારે ચીનમાં બનેલા આ આધુનિક અને હથિયારથી સજ્જ ડ્રોનને યુક્રેનની સેનાએ ફાયરિંગ કરીને ઉડાવી દીધું હતું. યુક્રેનની ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સની 111મી બ્રિગેડના જવાનોએ શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યે ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ AK-47 રાઈફલ્સથી ગોળીઓ ચલાવીને ડ્રોનને જમીનદોસ્ત કરાયું હતું.
પુટિનને મળવા જિનપિંગ રશિયા જશે : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 20થી 22 માર્ચના સમયગાળા દરમિયાન રશિયાના પ્રવાસે જશે. પુટિનના વર્ષો જૂના સાથી જિનપિંગ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિમંત્રણા શરૂ કરવાનો પ્રયાસ કરે તેવી અટકળો વહેતી થઇ છે. જિનપિંગ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર ચર્ચા કરે તેવી પણ આશા વ્યક્ત કરાઇ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જિનપિંગની આ પ્રથમ રશિયાની મુલાકાત હશે.