દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. વર્ષ 2023માં 15.30 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું, જે વર્ષ 2022ની તુલનામાં 49.25% વધુ છે. વર્ષ 2022માં 10.25 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. પરંતુ આ દરમિયાન ઇલેક્ટ્રિક કારોનું વેચાણ 115% વધીને 82,000થી ઉપર નોંધાયું હતું. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા) અનુસાર, વર્ષ 2023માં 82,105 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. તે વર્ષ 2022માં વેચાયેલી 38,240 ઇ-કારની તુલનાએ બમણાથી વધુ એટલે કે 114.71% વધુ છે.
ગત મહિને દેશમાં કારના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ 2.5% નોંધાયું હતું, જે ડિસેમ્બર 2022માં 1.3% હતું. ગત વર્ષે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું વેચાણ 36% વધીને 8.59 લાખથી વધુ રહ્યું હતું. વર્ષ 2022માં અંદાજે 6.31 લાખ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું વેચાણ નોંધાયું હતું. જો કે કુલ વાહનોના વેચાણમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનો માર્કેટ હિસ્સો ડિસેમ્બર 2022ના 5.7%ની તુલનાએ મામૂલી ઘટીને ગત મહિને 5.2% રહ્યો હતો.